ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં અલગ-અલગ રીતે ભાગ્ય અથવા ભવિષ્ય જણાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં લગભગ ૧૫૦થી પણ વધારે વિદ્યા પ્રચલિત છે. પ્રત્યેક વિદ્યા તમારા ભવિષ્યને જણાવવાનો દાવો કરે છે. એવું પણ માનવામાં આવે છે કે દરેક વિદ્યા ભવિષ્ય જણાવવામાં સક્ષમ છે, પરંતુ આ વિદ્યાઓના જાણકાર ખૂબ જ ઓછા મળે છે. મનમાં એ સવાલ પણ થાય છે કે આખરે કઈ વિદ્યાથી પોતાનું ભવિષ્ય જાણવું. તેના માટે અહીં પ્રસ્તુત છે કેટલીક પ્રચલિત જ્યોતિષ વિદ્યાઓની જાણકારી.
તે કુંડળી પર આધારિત વિદ્યા છે. તેના સિદ્ધાંત જ્યોતિષ, સંહિતા જ્યોતિષ અને હોરા શાસ્ત્ર એમ ત્રણ ભાગ હોય છે. આ વિદ્યા અનુસાર વ્યક્તિના જન્મ સમયે આકાશમાં જે ગ્રહ, તારા અથવા નક્ષત્ર જ્યાં હતાં તેને આધારે કુંડળી બનાવવામાં આવે છે. બાર રાશિઓ પર આધારિત નવ ગ્રહ અને ૨૭ નક્ષત્રોનું અધ્યયન કરીને જાતકનું ભવિષ્ય જણાવવામાં આવે છે. આ વિદ્યાને ઘણાં ભાગોમાં વિભક્ત કરી શકાય છે, પરંતુ આધુનિક સમયમાં મુખ્યત્વે ચાર ભાગ માનવામાં આવે છે. તે આ પ્રમાણે છે: નવજાત જ્યોતિષ, પ્રતિઘંટા અથવા પ્રશ્ન કુંડળી અને વિશ્વ જ્યોતિષ વિદ્યા.